۩ વ્યવસ્થા ના વિતકની જીવંત દાસ્તાન

વ્યવસ્થા ના વિતકની જીવંત દાસ્તાન

મારી સામે બેઠેલી સ્ત્રી એકધારું બોલ્યે જાય છે. હું જાણે કોઈ આંચલિક નવલકથાના અદભુત  નારીપાત્રાને સાંભળી રહ્યો છું કથા જીવનના ઝંઝાવાતની છે. એ કથામાં વ્યથાના વિતકો પડ્યાં છે હું વચ્ચે વચ્ચે પ્રશ્ન કરુ છું. મૂળ વાત માંથી નવી વાત ફૂટે છે. અને એ વાતો કોઈ સામાન્ય વાતો નથી. એક નારીના સંધર્ષની વાતો છે. લોહીજાણ વાતો. પોતાની આપવિતી કહેનાર સ્ત્રીના વિતી ગયેલા દિવસોની પીઠ પર નર્યા ડામ છે ? હા, એ ડરામણા દિવસો પાછળ રહી ગયા છે. એ બહેન ખુબ દુર નીકળી ગયા છે પોતાના દારુણ ભૂતકાળથી ! છતાં વિતી ગયેલો દિવસ આખરે જિંદગીનો હિસ્સો હોય છે. એને ભૂલવા ચાહો તોય કયારેક સામે આવીને ઉભો રહે છે. એ બહેન  ભુલાઈ ગયેલા એક એક દિવસને ઉથલાવે છે. મારી અંદરનો વાર્તા લેખક જીવતા પાત્રાને સાંભળી રહ્યો છે. કંઈક કુતુહલથી, કંઈક આશ્ચર્યથી .

આમતો આ લખવાનો હેતુ પંચાયતી બહેનોના સંધર્ષ અને સંધર્ષમાં તેમણે બતાવેલા હૈયા ઉકલતી વણકહી  વાત મુકવાનો છે. મારી સામે બેઠેલા બહેન પિસ્તાલીસે પહોચી ગયા છે. પણ એમણે જીવનની અનમોલ અવસ્થા યુવાનીમાં જે વેઠયું  છે એ પછી કોઈ સ્ત્રી જીવવાનું પસંદ કરે કે કેમ એ સવાલ છે ? આજે વર્તમાન પત્રોમાં અવાર -નવાર સ્ત્રી આપધાત ના કિસ્સા વાંચવા મળે છે. આપધાત કરનાર સ્ત્રી લગ ભગ વીસ થી પાત્રીસ વરસ વચ્ચેની જ હોય છે. સ્ત્રીઓ  જ શા માટે આપધાત કરે છે એની ચર્ચા આમ સમાજમાં થતી નથી. મરવાનું કોને ગમે ? પણ જયાં જિંદગીને કોઈ રસ્તા ન સુઝે ત્યારે એક જ રસ્તો હોય છે, જાતને ખતમ કરી નાખવાનો. મારી સામે બેઠેલા બહેને  એ રસ્તો ન લીધો એ જીવ્યા, મર્દાનગીથી  જીવ્યા. મુશ્કેલીઓને પડકારી, એટલુ જ નહિ એને મારી હટાવી પોતાનું આગવું સ્વમાન ભર્યું સ્થાન અંકે કર્યું ? આ બહેન કચ્છની એક તાલુકા પંચાયતના સભ્ય છે. એમના મત વિસ્તારના લોકોએ એમને લોકશાહી  ઢબે પસંદ કર્યા છે. એમને જન સમર્થન છે. પણ એ સ્ત્રી જાણે છે કે એક સમયે તે કોઈ જ આધાર વગર એકલી હતી.

આ બહેન ખેડૂત પરિવારમાં જન્મ લેનાર એક સામાન્ય છોકરી. અન્ય છોકરીઓ સાસરે જાય તેમ સોળ વરસની કાચી ઉમરે સાસરે ગયા. એમને ઘર  સારું મળ્યું. વર સારો મળ્યો. પણ બધું સારું છ મહિના સુધી ચાલ્યું. લગ્નના છ મહિના બાદ કશા કારણ વગર એમના પતિએ એમનાથી મો ફેરવી લીધું. આજે પોતાના છોકરા-છોકરી પરણાવી ચુકેલા એ બહેન એકદમ સ્વસ્થતાથી કહે છે. , એ પથારીએ આવતોજ નહિને !, મને શંકા જાય છે કે એમનો પતિ કદાચ અપૂર્ણ હશે. હું મારી શંકા સંભળાવું  છું એ જરા શરમાઈ જાય છે આખરે સ્ત્રી ખરીને ! પછી બોલે છે. ના રે ના, છ મહિના એ મારી વગર રહી શક્યો નહોતો. રાતે વાડીએ જાય ત્યાં પણ મને તેડી જતો..

એમના વગર ન રહી શકનાર એમનો પતિ કોઈ મોટા કારણ વગર મોઢું ફેરવી લે એ બને નહી. મને શંકા છે કે કોઈ ચતુર સ્ત્રી સાથે એમના સબંધ હશે અને એ સ્ત્રી એમના કુટુંબ ની જ હશે. હું મારી શંકા રજુ કરું છું. એ બહેન ચુપ થઈ મારી સામે જોઈ રહે છે. મને મારો જવાબ મળી જાય છે. આ વાત આજથી અઢી દાયકા પહેલાની છે. એ બહેન એમના પતિ સાથે પોતાને માવતરે આવ્યા. એમને ખબરેય ન્હોતી કે પતિ શા માટે પોતાને માવતરે તેડી આવ્યો છે.એમના પતિએ એ બહેનના પિતાને કહી દીધું : મને તમારી દીકરી ખપતી નથી.

આ પહેલો અને ખુલ્લો અસ્વીકાર !
ત્યાંથી શરૂ થયો સમજાવટ, ચર્ચા, માથા કૂટનો પારિવારિક અને સામાજિક દોર ! જેમ તેમ કરી એમના પિતાએ  એમને સાસરે મોકલ્યા. પણ બધી સમજાવટો તૂટી પડી. લાગ્યું કે હવે સાધવામાં કોઈ મજા નહી ત્યારે વાત આવી છુટા  થવાની. આપણા દેશમાં જેટલી સરળતાથી લગ્ન થઈ શકે છે એટલી સરળતાથી પતિ – પત્ની  છુટા પડી શકતા નથી. શક્ય ત્યાં સુધી સમાજ બે પાત્રો છુટા ન પડે એમ ઈચ્છતો હોય છે. બહુજ લાંબી માથા કૂટ ચાલી.

સમાજના કાયદા પ્રમાણે છુટા છેડા આપવા એ બહેનના પતિ માટે આર્થિક  રીતે શક્ય નહોતું. કદાચ શક્ય હોત તોય એ ખર્ચ થાય એવું ઈચ્છતો ન હતો. એણે મનોમન નક્કી કર્યું “ન રહે બાંસ ઓંર ન બજે બાંસુરી” એ બહેન પર શારીરિક ત્રાસ શરૂ થયો. હાલતા ચાલતા માર ખાવાનો, ઘરનું બધુજ કામ કરવાનું. એમને રીતસર ખાવાનું આપવા પર પ્રતિબંધ મુકાયો. આ બધું કરનાર ખુદ એ બહેનનો પતિ હતો.

અસહ્ય ત્રાસ અને ભૂખ્યા રહેવાના કારણે એ ગાંડા જેવા થઈ ગયા. પણ એમના કિસ્મત સારા હતા કે સમાજનું પંચ એમની સાથે હતું. આખરે પંચે આદેશ આપ્યો કે બન્નેએ આ ગામ છોડી કોઈ અન્ય ગામે રહેવા જવું. એમના સસરાના ગામથી ચાલીસેક કિલોમીટર દૂર ગામડે, જ્યાં એક વાડી હતી ત્યાં બન્ને રહે એવું નક્કી થયું. દરમિયાન એમના પતિના ચિતમાં એક ભયંકર કાવત્રાએ આકાર લીધો. તે પત્ની તરફ એકદમ કૂણો થઈ ગયો. તેણે એક નમતી સાંજે કહ્યું – આપણે આજે નીકળીએ. હા, ત્યાં ભેસની જરૂર પડશે એને લઇ લઈએ. અભાવોથી જડ થઈ ગયેલી સ્ત્રીને આશાનું કિરણ દેખાયુ. અને એ બેય જણ નીકળ્યા. આ વાત એ વિસ્તારની છે જ્યાં સાંજે પણ વાહન વ્યવહાર ઓંછો છે. ભેકાર વગડા વચ્ચેથી બેય જણ ચાલ્યા જતા હતા. રાત પડી ગઈ. દૂર એક ગામડું દેખાયું. પતિએ કહ્યું – તું ઉભી રહે હું થોડા ગાંઠિયા અને પેંડા લઇ આવું. આપણે ખાતા -ખાતા ચાલ્યા જઈશું.

નિર્જન  સીમ, એકલી યુવાન સ્ત્રી, રાતનો નિબીડ અંધકાર ! પતિ જે દિશામાં ગયો એ દિશાએ આંખો તાણીને ઉભેલી આ સ્ત્રીએ એક એક પળ ધડકતા હૈયે પસાર કરી. પોતાનો ધણી, હમણાં આવે, હમણાં આવે કરતા બે કલાક વિતાવી લીધા. આકાશમાં ટમટમતા તારાઓ સામે જોતી સીમમાં ઉભેલી એ સ્ત્રીની આંખોમાં સહેજ ભીનાશ ફરી વળી. છેતરાયાની પીડાથી છાતીમાં ડૂમો ભરાયો.એમને સમજાઈ  ગયું કે એનો ધણી ફરી છેતરી ગયો. એની વાટ જોવી વ્યર્થ છે.

ભુલાઈ ગયેલી ભીષણ રાત્રીની ડરામણી ક્ષણ  એમને વિચલિત કરી ગઈ. છતાં એ સહેજ હશીને બોલ્યા : ”મને થયું કે હું કરું તો શું કરું ? જરા વાર રડવું આવી ગયું. મેં ભેસને ત્યાજ છોડી દીધી અને મુઠીઓં વાળીને ભાગી. મને ખબર હતી કે થોડે દૂર જે ગામ છે તેમાં અમારી નાતની વસ્તી છે.હું એ ગામમાં કોઈને ઓળખતી ન હતી પણ અંદાજે એક ઘરનું બારણું ખખડાવ્યું. મારા નશીબ સારા હતા. આંગળામાં મોટી ઉમરના એક બાપા સૂતા હતા મેં મારી આખીય વાત બાપને કરી એ બાપના હદયમાં રામ જાગતા હતા. તેમને મને આશરો આપ્યો અને બીજા દિવસે મને સાસરે મૂકી ગયા.” આવડી ગોજારી ધટના પછીય એમના બે-શરમ પતિએ કહ્યું કે – મનેતો એમ હતુકે આને કોઈ ઉપાડી જશે કાં ઈ આપધાત કરશે. આ તો પાછી આવી. એક રાતે લોખંડના સળિયા ગરમ થયા. એ બહેનના બળજબરીથી કપડાં કાઢી નખાયા. જે સજા કરવા એમનો ધણી તૈયાર થયો હતો તે એક સ્ત્રી માટે જેટલી શારીરિક રીતે અમાનુષી હતી એના કરતા માનશીક આધાતજનક હતી. એ બહેનના જ શબ્દો : મારી  સાસુ બોલ્યા કે રાંડને ધગતો સળિયો ધાલીદે  ભલે પછી પંચો સામે ચણિયો ઉંચો કરીને બતાવે ? આખરે બાવન ગામના પ્રતિનિધિઓ એકઠા થયા, એક મહિલાની જિંદગી ન્યાય તોળવા માટે ! એ બહેન સદભાગી હતા. એમણે પંચોની સામે પોતાના પર થયેલા અમાનુષી અત્યાચાર બયાન કર્યા. પંચ બહેનની તરફેણમાં હતું. આખરે નાતની રસમો મુજબ તેઓ પહેલા ધરવાળા થી છુટા પડ્યા જિંદગીનો એક કરુણ અધ્યાય  પૂરો થયો.

માવતરના પસંદ કરેલા એક પાત્ર સાથે તેમણે જીવન શરુ  કર્યું. કસોટી અહી પણ હતી. જેમની સાથે એ પરણ્યા એ પતિને ત્રણ બાળકો હતા. એટલુજ નહિ આગલી  પત્ની બે દિવસની બાળકી મૂકીને મૃત્યુ પામી હતી. પરણીને સાસરે જનાર ઓગણીસ વરસની યુવતીને કોઈ રંગ રાગ માણવાનો અવસર નહોતો પરંતુ માં વગરની એક બાળકીને છાતીએ વળગાડવાની હતી. દુ:ખની મારી એ યુવતીએ પારકી જણીને પોતાની કુવારી છાતી ધરી ! કેવું હશે એ દર્શ્ય? પણ કહેવાય છે કે કુદરત સાથે સાટું વાળી દેતી હોય છે! એમનો પહેલો પતિ, જે માનવીય ધોરણોની નીચલી પાયરીએ હતો તો એમનો બીજો અત્યારનો પતિ ઉચ્ચ કક્ષાનો પુરુષ છે. એણે આ બહેનના દુ:ખો પર હળવે હળવે પોતાની લાગણીનો મલમ લગાડ્યો અને બધું ભુલાવી દીધું. આગલી પત્નીના ત્રણ બાળકો અને આ બહેનને પોતાને એક છોકરી થઈ. એ ચારેય સંતાનોને ઉછેર્યા, મોટા કર્યા, પરણાવ્યા, જિંદગીની એ તમામ ફરજો અદા કરી જે એક સ્ત્રી એ કરવાની હોય છે. આ બહેન કચ્છની એક તાલુકા પંચાયતની સીટ પર બ કાયદા ચુંટાયા છે. હા, આ તેમના રાજકીય જીવનની શરૂઆત છે. પણ જે તાવણી માંથી તેઓ પસાર થયા છે. તે જોતા આવનારા દિવસોમાં સક્ષમ નેતા પુરવાર થશે. તમને ચુંટણીમાં ઉભા રહેવાની ઈચ્છા કેમ થઈ ? આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે –

હું KMVS (કચ્છ મહિલા વિકાસ સંગઠન )ની લેકચર સીરીઝ માં આવી હતી. મને થયું, મેં તો કેવા કેવા દુ:ખ સહન કર્યા છે.બીજી સ્ત્રીને કોઈ દુ:ખ ન વેઠવું પડે તે માટે કશુક કરવું જોઈએ. મારા આત્માએ મને કહ્યું – તું કંઈક કર. બહાર  આવ અને મેં કર્યું.

હા, એ બહેન પોતાના અંતર આત્માના અવાજને બરોબર સાંભળ્યો , પારખ્યો અને તેને અનુસરે છે. આજે પણ તે KMVS સાથે રહીને કાયદાકીય બક્ષેલા અધિકારોને સમજવાનો પર્યત્ન કરી રહ્યા છે. અગ્નિ પરિક્ષા માત્ર સીતાજીની ન્હોતી થઈ. આજે દરરોજ અનેક સીતાજીઓ અગ્નિ પરિક્ષા માંથી પસાર થાય છે. કોઈક હોમાય જાય છે. તો કોઈક દેદીપ્યમાન  બનીને બહાર આવે છે. જેમ મારી સામે બેઠેલા બહેન બહાર આવ્યા છે.

નોધ : આ બહેનના જીવનમાં કોઈ સામાજિક અવરોધ પેદા ન થાય તે હેતુ સર તેમની ઓળખ ગોપિત રાખવામાં આવી છે.

અને આ વાર્તા કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા પ્રકાશિત પુસ્તક “રણભેરી” માંથી લેવામાં આવી છે. આથી અમો કચ્છ મહિલા વિકાસ સંગઠનના ખુબ ખુબ આભારી છીએ.

આપના મંતવ્યો આવકાર્ય છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

Blog Stats

  • 2,790 hits
%d bloggers like this: